Thursday, January 23, 2014

મોડેલ દ્વારા એકમની સમજ

બાળકોને આપનું શરીર એકમની મોડેલ દ્વારા સમજ આપી. જેથી બાળકો શરીરના આંતરિક  અવયવોની સરળતાથી સમજ મેળવી શકે. તેમની કામગીરીથી વાકેફ થાય. 

તાલુકા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ

સી. આર. સી કક્ષાએ યોજાયેલ નિબંધ, વક્તૃત્વ, સુલેખન સ્પર્ધાઓ તથા નાટ્ય સ્પર્ધામાંથી શાળાના બાળકોનો નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યા બાદ તાલુકા કક્ષાએ ભાગ લીધો. આવી સ્પર્ધાઓ દ્વારા બાળકોમાં પડેલ સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય છે. તેમના શરમ સંકોચ દૂર થાય છે. બાળકોમાં નેતૃત્વ શક્તિનો વિકાસ  થાય છે. બાળકો નવી ઓળખાણ કેળવતા શીખે છે. અજાણ્યા માહોલમાં કઈ રીતે બધા સાથે હળાય મળાય તે શીખે છે.

 

પતંગોત્સવ

શાળામાં મકરસંક્રાંતિ નિમિતે પતંગોત્સવનો કાર્યક્રમ હતો. મોટા બાળકો

નાના બાળકોને પતંગ ચગાવવામાં મદદ કરતા હતા. એમની સમૂહ ભાવના તથા એકબીજાને મદદ કરવાની ભાવના જોઈ મને ખુબ આનંદ થયો. બાળકોએ મન ભરીને પતંગ ચગાવ્યા. 

મકર સંક્રાંતિ નિમિતે ભેટ

પ્રભુનાગરના રહીશ શ્રીમતી હંસાબેન દ્વારા શાળાના બાળકોને જલેબીનો નાસ્તો તથા પતંગની ભેટ આપી. 

શિયાળુ રમતોત્સવ

શાળામાં શિયાળુ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં ત્રીપગી દોડ, દોડ, લીંબુ ચમચી, સિક્કા શોધ, સોયમાં દોરો પરોવો, કોથળા કુદ, ૧ મિનિટમાં કેટલા બિસ્કીટ ખાશો?, તથા ધોરણ ૧અને ૨ના બાળકો માટે દેડકા દોડ તથા સંગીત ખુરશીની રમત રાખવામાં આવી હતી આ પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં આત્મ વિશ્વાસ કેળવાય છે. ખેલદિલીની ભાવના કેળવાય છે. બાળકોમાં ચોકસાઈ તથા સમૂહ ભાવનાનો વિકાસ થાય છે. બાળકોની શારીરિક શક્તિનો વિકાસ થાય છે. 




સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ સમાપન સમારોહ

શ્રી રામકૃષ્ણ - વિવેકાનંદ સેવા કેન્દ્ર, કીમ અને કીમ વિભાગની શૈક્ષણિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે સ્વામી વિવેકાનંદજીની ૧૫૧મી જન્મ જયંતિની ઉજવણી તેમજ સ્વામીજીના ૧૫૦મ જન્મ જયંતિ મહોત્સવ(૨૦૦૯-૧૪)ના સમાપન પ્રસંગે આયોજિત સ્વામીજીના જીવનપ્રસંગો આધારિત નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધામાં શાળામાં  પ્રથમ આવનાર વિદ્યાર્થીને ઇનામ આપવામાં આવ્યા તથા કાર્યશીલ આચાર્ય તરીકે શાળાના આચાર્યશ્રીને સન્માનવામાં આવ્યા. 

Tuesday, January 14, 2014

સ્વામી વિવેકાનંદ જયંતી

સ્વામી વિવેકાનંદ જયંતીના દિવસે શાળાના બાળકોએ સ્વામીજીના જન્મ દિને એમના જીવન પ્રસંગોને લઇ વક્તૃત્વ તથા નિબંધ સ્પર્ધા અને નાટક કર્યું. આ સમયે અચાનક જ આવી ગયેલ સરપંચ શ્રી બાળકોની આ પ્રવૃત્તિ જોઈ ખુબ ખુશ થઇ ગયા અને બાળકોને આવી પ્રવૃતિઓ કરવા બદલ અભિનંદન આપ્યા તથા તેમને ખમણનો નાસ્તો કરાવ્યો. 



આનું નામ સ્નેહ!!!!!!!!!!

ખરેખર જેને ઘરે દીકરી અવતરી તે ખરેખર નસીબદાર જ છે અમારા કસ્બામાં ગયા વર્ષે માર્ગ અકસ્માતમાં તિવારીજી નામે વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ વર્ષે એમની દીકરી અમારી પાસે આવી કહે સર, શાળામાં કેટલા બાળકો છે? મારા પપ્પાનો જન્મદિવસ આવે છે. જ્યાં સુધી પપ્પા હતા દર વર્ષે તેઓ મને ભેટ આપતા હતા હવે મારે મારા પપ્પાના જન્મદિવસે બાળકોને ભેટ આપી મારા પપ્પાના સંસ્કાર ઉજાગર કરવા છે. તેણીએ શાળાના દરેક બાળકને પેન્સિલ, રબર, સંચો, નોટબુક ભેટ આપી. ધન્ય છે આ દીકરીને ! અને ધન્ય છે એના પિતાને!!!!!!!!!! 

Monday, January 6, 2014

સી.આર. સી કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ

અમારે ત્યાં શાળા કક્ષાએ વક્તૃત્વ સ્પર્ધા, સુલેખન તથા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ શાળા કક્ષાએ આ સ્પર્ધાઓ થઇ જેમાં પ્રથમ નંબરે સી. આર. સી. કક્ષાએ ભાગ લીધો.જેમાં આઠ પ્રતિસ્પર્ધીને પછાડી પ્રભુનગર પ્રાથમિક શાળાની બાળા નિબંધ તથા વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ રહી હવે તેઓ સી. આર. સી મુળદનું તાલુકા કક્ષાએ નેતૃત્વ કરશે. 

પુરાક્પોષણ આહાર

પ્રભુનગરના રહીશ તથા બાળકોના વ્હાલા હીરાકાકાએ બાળકોને ખમણ અને જલેબીનો નાસ્તો આપ્યો.